ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર તથા દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તથા રાજકોટમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર અને કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના છે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમો ગુજરાત પર શક્રિય થવાથી વલસાડ અને ભરૂચમાં વરસાદથી હાલ બેહાલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
વરસાદથી ગુજરાતના હાલ બેહાલ થઈ શકે છે.
સામાન્ય રીતે કોઈ વરસાદી સિસ્ટમથી કોઈ એક વિસ્તારમાં એક કલાકમાં વધુમાં વધુ 3 થી 3.5 ઈંચ સુધી વરસાદ વરસતો હોય છે. પરંતુ હાલ છેલ્લા બે દિવસથી લા-નિનો શક્રિય થયું છે. જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બન્ને એકસાથે શક્રિય છે અને અરબી સમુદ્ર માં ઘણા સમયથી લો પ્રેશર હતું તે સર્ક્યુલેશનસર્કલમાં ફેરવાઈ મધ્યપ્રદેશ તરફ આગલ વધ્યું જ્યાં બંગાળની ખાડીમાંથી આવેલ લો પ્રેશર સાથે મળીને આ લો પ્રેશરને ડિપ્રેશનમાં ફેરવ્યું છે. આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને વધુ મજબૂત બનશે ત્યારબાદ તે ગુજરાત પર આવશે અને ગુજરાત પર 5 થી 7 દિવસ સ્થિર થશે અને ત્યારબાદ અરબી સમુદ્ર તરફ જાય તેવી શકયતા છે. આ ડીપ ડિપ્રેશન સિસ્ટમનું કેન્દ્ર જ્યાં હશે તે વિસ્તારમાં એક જ કલાકમાં 3.5 ઈંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે તેવી સંભાવના છે. આટલો વરસાદ એક સાથે પડવાથી વરસાદી પાણી ઓસરી શકે નહીં આથી પાણી ભરાય તેવી સ્થિતિ પણ સર્જાય શકે. માટે જ્યાં આ સિસ્ટમનું કેન્દ્ર પસાર થશે ત્યાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. ટૂંકમાં આ સિસ્ટમના વરસાદથી ગુજરાતના હાલ “બેહાલ” જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે.
આ સિસ્ટમથી મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અમદાવાદ, વડોદરા, આણંદ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છના અમુક વિસ્તારો, દ્વારકા, જામનગર, અને પોરબંદરમાં વરસાદની તીવ્રતા ખૂબ વધારે રહેશે. ખાસ કરીને મોરબી, જસદણ, વીંછીયાં, બોટાદ, પાળીયાદ, સાયલા, ચોટીલા અને લીંબડીમાં અત્યાર સુધી વરસાદની ઘટ હતી તે આ રાઉન્ડન્ડમાં પૂરી થાય તેની પૂરેપૂરી શક્યતા છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં 7 ઈંચથી વધુ સુધી વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, સુરત, ભીલીમોરા, વાપીમાં 10ઈંચથી વધારે વરસાદ વરસે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને બોટાદમાં પણ 10 ઈંચ સુધીનાં વરસાદ વરસી શકે છે. ઘણા વિસ્તારોમાં એક જ દિવસમાં 15 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસે તેવી શકયતા છે.
આ પણ વાંચો : કપાસમાં થ્રિપ્સનું નિયંત્રણ
લા-નિનોની વરસાદ પર અસર
છેલ્લા ત્રણ વર્ષથી અલ-નિનો શક્રિય હતું જે પાછલા એક મહિનાથી ન્યુટ્રલ હતું. અલ-નિનોએ બે દિવસ પહેલા વિદાય લીધી છે અને પાછલાં બે દિવસથી હવે લા-નિનો શક્રિય થયું છે. લા-નિનોની અસરથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સાથે શક્રિય જોવા મળી રહ્યા છે. હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક પછી એક સિસ્ટમ બનવાનું શરૂ થશે જેના કારણે ગુજરાતમાં અતિવૃષ્ટિ પણ સર્જાઈ શકે. લા નિનોની અસરથી ચાલુ વર્ષે ચોમાસુ ઓક્ટોબર માસ સુધી લંબાઈ શકે છે.
જન્માષ્ટમીનો તહેવાર થશે વરસાદથી તરબોળ
આગામી 5 થી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તેથી જન્માષ્ટમીના તહેવારને પણ વરસાદની અસર થશે. ઘણા લોકો ફરવા જવા માટે જન્માષ્ટમીની રાહ જોઈ બેઠા હોય છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. માટે શક્ય હોય તો રેડ એલર્ટ વાળા વિસ્તારમાં ફરવા જવાનું ટાળવું. હાલ શક્રિય થયેલ વરસાદી સિસ્ટમથી મેઘરાજા જાણે જન્માષ્ટમીના પર્વને વરસાદથી તરબોળ કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. ભારે વરસાદને પગલે મેળાઓ બંધ રહેવાથી ઘણા નાના વેપારીઓને જન્માષ્ટમીના તહેવાર પર વેપાર ન થઈ શકવાથી આર્થિક નુકશાન થશે.
છેલ્લા 24 કલાકના વરસાદનાં આંકડા
પાછલાં 24 કલાકમાં 240 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ
નવસારીના ખેરગામમાં 15.25 ઈંચ
ડાંગના આહવામાં 10.75 ઈંચ
વલસાડના કપરાડામાં 11.75 ઈંચ
ડાંગના વઘઇમાં 10 ઈંચ
વલસાડના ધરમપુરમા 9 ઈંચ
નર્મદાના ડેડીયાપાડામા 8.5 ઈંચ
વલસાડના સાગબારામાં 8.25 ઈંચ
ડાંગના સુબિરમાં 8 ઈંચ
સુરેન્દ્રનગરના મૂળીમાં 7.5 ઈંચ
નવસારીના વાસંદામાં 7.25 ઈંચ
રાજકોટ અને મોરબીમાં 7 ઈંચ
બોટાદમાં 4 ઈંચ અને
સુરેન્દ્રનગરમાં 4 .25 ઈંચ વરસાદ નોંધાયો છે
ઉપરાંત અન્ય જિલ્લાઓમ સાર્વત્રિક 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હજી આવનાર 72 કલાક સુધી હળવા કડાકા ભડાકા સાથે વરસાદ ભુક્કા કાઢશે.
●ખેડૂત હબ (kheduthub)