મગફળીમાં ઉત્પાદન વધારવાના ઉપાય
મગફળીમાં ઉત્પાદન વધારવાના ઉપાય

મગફળીમાં ઉત્પાદન વધારવાના ઉપાય | Magfalima Utpadan Vadharvana upay

પ્રસ્તાવના

નમસ્કાર ખેડૂતમિત્રો ખેડૂત-હબ (kheduthub) પર આપનું સ્વાગત છે. ચાલુ વર્ષે ખેતીમાં પાકની ફેરબદલી ખેડૂતોની પસન્દગી અને ઋતુ અનુસાર થઈ છે. ખેડૂતો ખરીફ ઋતુમાં અન્ય કઠોળ કે કપાસનું વાવેતર કરતા તે આ વર્ષે ફરી મગફળીના વાવેતર તરફ પાછા ફર્યા છે. આજે આપણે મગફળીનું ઉત્પાદન વધારવાના ઉપાય વિશે જાણીશું.

મગફળીમાં ઉત્પાદન વધારવાના ઉપાય
મગફળીમાં ઉત્પાદન વધારવાના ઉપાય

મગફળીનું ઉત્પાદન વધારવાના ઉપાય

મગફળીના પાકમાં ઉત્પાદન વધારવા મગફળી વાતાવરણના ફેરફાર સામે સક્ષમ રહે તે જરૂરી છે. હવે વાત કરીએ આપણે મગફળીમાં ઉત્પાદન કઈ રીતે વધારવું તો મગફળી વાવ્યા પછી આ ત્રણ મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે.

1.પોષણ વ્યવસ્થાપન
2.રોગ-જીવાત નિયંત્રણ અને
3.નિંદામણ અને પિયત વ્યવસ્થાપન

1.પોષણ વ્યવસ્થાપન

મગફળીમાં પોષણ વ્યવસ્થાપન
મગફળીમાં પોષણ વ્યવસ્થાપન

મગફળીમાં સારું ઉત્પાદન મેળવવા માટે તેને જે-તે સમયે જરૂરી પોષકતત્વો પુરા પાડવા ખૂબ જ જરૂરી છે. મગફળી જ્યારે 1 મહિનાની થાય ત્યારે 16 ગુઠા ના 1 વિધા પ્રમાણે 50કિલો નાઇટ્રોજન, 10 કિલો ફોસ્ફરસ, 40 કિલો પોટેશિયમ, 20 કિલો કેલ્શિયમ અને 10 કિલો મેગ્નેશિયમ ની જરૂર રહે છે.

પ્રાકૃતિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતોને એવો પ્રશ્ન થાય કે આટલું બધું ખાતર નાખવાથી જમીનને નુકશાન થાય તો તેમને પ્રાકૃતિક ઘટકો જીવામૃત, પંચગવ્ય વગેરેનો અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોએ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો.

મગફળીમાં સૂયા બેસે ત્યારે આપવાના ખાતર

મગફળી 30 થી 35 દિવસની થાય એટલે મગફળીમાં સૂયા બેસવાની શરૂઆત થઈ જાય.મગફળીમાં જ્યારે સૂયા બેસવાની શરૂઆત થાય ત્યારે તેમાં કેલ્શિયમ અને ગંધક એટલે કે સલ્ફર યુક્ત ખાતર આપવા જોઈએ વાત કરીએ તેના પ્રમાણની તો કૅલ્શિયમ અને સલ્ફર ની પૂર્તિ માટે ફોસ્ફો ઝીપ્સમ 1 એકરે 250 કિલો આપવું આ ઉપરાત ઝીંક સલ્ફેટ એકરે 5 કિલો પુંખીને આપવું. ડોડવા બેસવાની અવસ્થાએ આ ખાતરો આપવાથી બીજનો વજન વધે છે અને તેની ગુણવતા સુધરે છે.

મગફળી 45 દિવસની થાય ત્યારે તેમાં 13:00:45 વોટર સોલ્યુબલ ખાતરનો એક પમ્પમાં 70 ગ્રામ નાખી છંટકાવ કરવો.ત્યારબાદ મગફળીમાં સૂયામાંથી ડોડવા થવા લાગે ત્યારે એટલે મગફળી જયારે 70 દિવસની થાય ત્યારે 00:00:50 ખાતરનો એક પમ્પમાં 100 ગ્રામ નાખી સ્પ્રે કરવો.

મગફળી પીળી પડતી હોય ત્યારે આપવાના ખાતર

મગફળી પીળી પડે તો તેમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા સરખી થાય નહિ અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. મગફળી પીળી પડે ત્યારે જો પાન પીળાશ રંગના અને તેની નસો લીલા રંગની હોય તો મગફળીમાં લોહતત્વની ખામી હોય અને જો મગફળીના પાન સંપૂર્ણ પીળું કે સફેદ રંગનું હોય તો તેમાં સલ્ફરની ઉણપ હોય. તેના નિવારણ માટે વોટર સોલ્યુબલ ખાતર જેમાં લોહતત્વ 4.5%, મેગ્નેશિયમ 12.5% અને સલ્ફર 12% ધરાવતું ખાતરનો એક પમ્પમાં 120 ગ્રામ નાખી સ્પ્રે કરવો તેથી મગફળીમાંથી પીળાશ દૂર થશે અને મગફળી સારું એવું ઉત્પાદન આપવા માટે સક્ષમ બનશે.

મોટાંભાગના ખેડૂતો મગફળીનાં વાવણી સમયે ફક્ત પાયના ખાતરો આપે છે ત્યારબાદ ઉપર જણાવેલ અન્ય પોષકતત્વો આપતા નથી જેથી ઉત્પાદનમાં ઘટ વર્તાય છે.પરંતુ જો સમયે સમયે ગૌણ અને સુક્ષ્મ પોષકતત્વો પુરા પાડવામાં આવે તો મગફળીમાં સારૂ ઉત્પાદન મળે છે.

આ પણ વાંચો કપાસમાં આવતી ગુલાબી ઈયળનું નિયંત્રણ કેવી રીતે કરવું?

2.રોગ-જીવાતનું નિયંત્રણ

મગફળીમાં રોગ જીવાત
મગફળીમાં રોગ જીવાત

મગફળીમાં રોગ-જીવાતનું નિયંત્રણ પણ એક મહત્વનું પાસું છે.

મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગ બે ઘાતક રોગ છે.તેના નિવારણ માટે પિયત સાથે ફુગનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. ફૂગ આવી ગયા બાદ તેના પર નિયંત્રણ કરવું મુશ્કેલી બની જાય માટે ફૂગ ને નિવારવા દર 15 દિવસે પિયત દ્વારા ટ્રાઇકોડરમાં વીરડી અથવા સ્યુડોનોમાસ કે જે સારું જૈવ ફૂગનાશક છે તેનો એકરે 1 કિલો ઉપયોગ કરવો.

આ ઉપરાંત મગફળીમાં લિલી ઈયળ મગફળીના પાન ખાઈને નુકશાન પહોંચાડે છે. તેનાથી મગફળીનો વિકાસ અટકી જાય છે અને સૂયા બેસવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. લિલી ઈયળ ના નિયંત્રણ માટે મગફળીમા ફેરેમોન ટ્રેપનો ઉપયોગ કરવો ઉપરાત ટ્રેપનું નિરીક્ષણ કરી સમયાંતરે ઈયળનાશી દવાનો સ્પ્રે કરવો. આમ કરવાથી ઈયળ પર નિયંત્રણ મેળવી અને ઉત્પાદનમાં વધારો કરી શકાય છે.

મગફળીમાં જો નિયમિત નિરીક્ષણ કરી મગફળીને રોગ-જીવાત મુક્ત રાખવામાં આવે તો મગફળીમાં 20થી30 ટકા ઉત્પાદનમાં થતો ઘટાડો રોકી શકાય અને સારું ઉત્પાદન લઈ શકાય.

3.નિંદામણ અને પિયત વ્યવસ્થાપન

ઘણા ખેડૂતોનું ફોકસ ખાતર વ્યવસ્થાપન પર હોય છે અને ઘણા ખેડૂતોનું ધ્યાન રોગ-જીવાત નિયંત્રણ પર વધુ હોય છે પરંતુ તેની સાથે સાથે નિંદામણ અને પિયત પર પણ તેટલું જ ધ્યાન આપવું જરૂરી છે.

નિંદામણ

મગફળીમાં સૂયા બેસવાની શરૂઆત થાય ત્યાં સુધી મગફળીમાં આંતરખેડ અને હાથ નિંદામણ કરી નિંદામણ નિયંત્રણ કરવું જરૂરી છે. જો આંતરખેડ અને હાથ નિંદામણ શક્ય ન હોય તો નિંદામણ નાશકોનો પણ ઉપયોગ કરી શકાય. સમયસર નિંદામણ કરવામાં ન આવે તો આપણે મગફળીમાં જે ખાતરો આપીએ તેનો ઉપયોગ આ નિંદામણ પણ ખોરાક તરીકે કરશે અને નિંદામણ મુખ્ય પાક કરતા વધુ ઝડપી વકરતું હોવાથી મુખ્ય પાકની વૃદ્ધિ અને વિકાસમાં અવરોધ ઉભો કરે છે.
તદુપરાંત દવાનો સ્પ્રે કરવામાં પણ આ નિંદામણ અવરોધ કરે છે.નિંદામણના કારણે જંતુનાશકોનો મગફળીમાં સરખો સ્પ્રે થાય નહિ અને રોગ-જીવાતના નિયંત્રણ માટે છાંટેલ દવાનું જોઈતું રિજલ્ટ મળતું નથી.
નિંદામણ સમયસર દૂર કરવામાં ન આવે તો માત્ર નિંદામણ ના કારણે જ 45% જેટલું ઉત્પાદન ઘટાડો થઈ શકે છે. તેથી સમયે સમયે મગફળી 50 દિવસની થાય ત્યાં સુધી હાથ નિંદામણ કરવું જોઈએ અને આંતરખેડ કરી જમીન પોચી રાખવી જેથી જમીનમાં વધુ પ્રમાણમાં સૂયા બેસી શકે.

પિયત

ચોમાસામાં જો વરસાદ પિયત જરૂરિયાત અનુસાર થતો રહે તો પિયત આપવાની જરૂર રહેતી નથી. પરંતુ જો વરસાદ ખેંચાય અને પિયતની સગવડ હોય તો પ્રથમ પિયત ફૂલ ઉઘડવાના સમયે આપવું, બીજું પિયત સૂયા બેસવાના સમયે, ત્રીજું પિયત સૂયામાંથી ડોડવા બેસે ત્યારે અને ચોથું પિયત ત્રીજું પિયત આપ્યા પછી 15 દિવસે આપવું. મગફળીમાં સારું ઉત્પાદન મેળવવું હોય તો સમયસર પિયત મળી રહે તે ખૂબ જ જરૂરી છે.

સાર

ખેડૂતભાઈઓ આ લેખમાં આપેલ માહિતી મુજબ જો ત્રણ મુખ્ય મુદ્દા એટલે 1.પોષણ વ્યવસ્થાપન 2.રોગ-જીવાત નિયંત્રણ અને 3.નિંદામણ અને પિયત વ્યવસ્થાપન પર ધ્યાન આપવામાં આવે તો મગફળી માં સારું ઉત્પાદન મેળવી શકાય છે. ખેડૂતભાઈઓ તમને આ માહિતી ઉપયોગી જણાય તો અન્ય ખેડૂતમિત્રો સાથે પણ શેર કરો

9 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *