નમસ્કાર ખેડૂતમિત્રો આપ સૌનું ખેડૂત હબ ( kheduthub ) પર સ્વાગત છે. આજે આ લેખમાં આપણે જાણીશું રસ ચૂસનાર જીવાત થ્રિપ્સ વિશે. આ લેખમાં થ્રિપ્સ પાકમાં આવી ગઈ છે તેની ઓળખ કેવી રીતે કરવી, થ્રિપ્સનું જીવનચક્ર, થ્રિપ્સથી કપાસના પાકને થતું નુકશાન અને કપાસમાં થ્રિપ્સનું નિયંત્રણ કરવાના ઉપાય તથા થ્રિપ્સની દવા વિશે વાત કરીશું.
થ્રિપ્સની ઓળખ કેવી રીતે કરવી?
થ્રિપ્સની ઓળખ કેવી રીતે કરવી તેની વાત કરીએ તો ખેડૂતમિત્રો થ્રિપ્સ એ રસ ચૂસનાર જીવ છે. થ્રિપ્સ ખૂબ જ સૂક્ષ્મ હોય છે ઝીણી નજરે જોવામાં આવે તો થ્રિપ્સ નરી આંખે જોઈ શકાય છે. થ્રિપ્સને 6 પગ અને ઉડવા માટે પાંખો પણ હોય છે. થ્રિપ્સ દેખાવમાં પીળાશ પડતી લાલ રંગની હોય છે. તે મોટાભાગે પાકમાં પાનની નીચેના ભાગ પર જોવા મળે છે. થ્રિપ્સની હાજરી હોય તે પાનનો નીચેનો ભાગ સિલ્વર કલરનો ચળકાટ ધરાવતો દેખાય છે. જો આ મુજબના લક્ષણ જોવા મળે તો પાકમાં થ્રિપ્સ હોવાની શક્યતા વધી જાય છે.
થ્રિપ્સનું જીવનચક્ર
થ્રિપ્સ 25 થી 30 દિવસમાં તેનું સંપૂર્ણ જીવનચક્ર પુરૂ કરે છે.
જેમાં પ્રથમ 1-10 દિવસ ઈંડા અવસ્થામા રહે છે. ત્યારબાદ ઈંડામાંથી લાર્વા બહાર આવે છે. લાર્વા અવસ્થા 7 થી 14 દિવસ સુધીની હોય છે. લાર્વા અવસ્થામાંથી પ્યુપા અવસ્થામાં આવે છે અને 2 દિવસથી 5 દિવસ સુધી આ અવસ્થામાં રહે છે. પ્યુપા અવસ્થામાં નર અને માદાના મિલનથી માદા થ્રિપ્સ 150 થી 200 ઈંડા મૂકે છે. તેથી થ્રિપ્સની લાર્વા અવસ્થા અને પ્યુપા એટલે કે વયસ્ક અવસ્થા સૌથી વધુ નુકસાનકારક છે.
થ્રિપસ્થી કપાસના પાકને થતું નુકશાન
હાલ વાતાવરણની વાત કરીએ તો દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી પડે છે. જયારે આવું પરિબળ એટલે દિવસ રાત્રિ ના તાપમાનમાં તફાવત હોય ત્યારે કપાસના પાકમાં થ્રિપ્સનો એટેક જોવા મળે છે. થ્રિપ્સના બચ્ચા અને વયસ્ક બન્ને કપાસના છોડના કૂણાં પાન અને ફાલ પર સીધી અસર કરે છે. થ્રિપ્સનું જમણું જડબું અવિકસિત હોય છે તેથી તે ખોરાક લેવા ડાબા જડબા વડે પાનમાં નીચેની બાજુ ચીરા પાડે છે અને તેમાંથી રસ ચૂસે છે. જ્યારે થ્રિપ્સનો એટેક ખૂબ જ વધારે હોય ત્યારે પાન પર ચીરા પણ વધારે પાડે છે, તેથી કપાસના પાનની નીચેની બાજુ સિલ્વર કલરનું ચળકાટ જેવું દેખાય છે અને પાન ઉપર તરફ વળી જાય અને કોકડાઈ જાય છે. થ્રિપ્સનો એટેક હોય ત્યારે તેના નિયંત્રણ માટે સમયસર પગલાં લેવામાં ન આવે તો કપાસ દૂરથી જોતા લાલ રંગનો દેખાય છે, તેથી થ્રિપ્સને અમુક વિસ્તારોમાં રાતડ તરીકે પણ ઓળખાય છે. થ્રિપ્સ કપાસના પાનમાંથી રસ ચૂસી લે એટલે પાન કોકડાઈ જાય જેથી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઘટાડો થાય છે અને કપાસનો છોડ જરૂરી ખોરાક લઈ શકતો નથી પરિણામે કપાસનો છોડ નબળો થતો જાય છે અને ફાલ તથા ફળ ખરવા લાગે છે. કપાસના પાકમાં થ્રિપ્સથી 25% થી 70% સુધી નુકશાન થઈ શકે છે જેના પરિણામ સ્વરૂપે કપાસના પાકમાં ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે.
કપાસના પાકમાં થ્રિપ્સનું નિયંત્રણ
કપાસમાં નાઇટ્રોજનયુક્ત ખાતર વધારે માત્રામાં આપવાથી પણ થ્રિપ્સનો એટેક વધી જાય છે. માટે નાઇટ્રોજનયુક્ત ખાતર નાના નાના ડોઝ વધુ હપ્તામાં આપવા જોઈએ. કપાસના પાન રૂંવાટી વાળા થાય તેવી જાતનું બિયારણ પસન્દ કરવાથી કપાસમાં થ્રિપ્સની અસર લિસા પાન વાળી જાતની સરખામણીમાં ઓછી થાય છે. કપાસના પાકમાં થ્રિપ્સના નિયંત્રણની જૈવિક પદ્ધતી અને રાસાયણિક પદ્ધતિની વાત કરીશું.
થ્રિપ્સનું જૈવિક નિયંત્રણ
થ્રિપ્સની મોજણી માટે એક એકરે 5 યેલો સ્ટીકી ટ્રેપ લગાડવા જોઈએ. જયારે આ ટ્રેપમાં થ્રિપ્સ જોવા મળે એટલે નિયંત્રણ માટે નીચે મુજબના જૈવિક કિટનાશકોનો સ્પ્રે કરી શકાય.
થ્રિપ્સના નિયંત્રણ માટે નિમ ઓઈલ 50 ml/પંપ નાખી સ્પ્રે કરવાથી થ્રિપ્સ પર કંટ્રોલ કરી શકાય
બ્યુવેરિયા બેસિયાના, વર્તિસિલિયમ લેકની, મેટારીજીયમ એનીસોંપલી પ્રતિ પંપ 40 ગ્રામ મિક્સ કરી સ્પ્રે કરવાથી થ્રિપ્સ પર સારું રિજલ્ટ મળશે. પરંતુ ધ્યાન રાખો કે આ જૈવિક કિતનાશકોનો ઉપયોગ જમીનમાં 70% ભેજ હોય ત્યારે કરવો. આ જૈવિક કિટનાશકો પાકને નુકશાન કરતી તમામ જીવાતને રોકવામાં સક્ષમ છે.
આ પણ વાંચો: મગફળીમાં ઉત્પાદન વધારવા ખાતર વ્યવસ્થાપન.
થ્રિપ્સનું રાસાયણિક નિયંત્રણ
કપાસમાં આવતી થ્રિપ્સના રાસાયણિક નિયંત્રણ માટે કપાસમાં થ્રિપ્સના ત્રણ સ્ટેજ
1.થ્રિપ્સનો નહિવત એટેક હોય ત્યારે
2.થ્રિપ્સનો મધ્યમ એટેક હોય ત્યારે અને
3.થ્રિપ્સનો હેવી એટેક હોય ત્યારે
કઈ દવાનો છંટકાવ કરવો તે અહીં જણાવેલ છે.
થ્રિપ્સનો નહિવત એટેક હોય ત્યારે
જયારે કપાસના એક પાન પર 5 થી વધારે થ્રિપ્સ જોવા મળે એટલે જંતુનાશક દવાનો સ્પ્રે કરવો. થ્રિપ્સ કંટ્રોલ ના પ્રથમ સ્પ્રે માટે પ્રોફેનોફોસ 40% + સાયપરમેથ્રિન 4% કન્ટેન્ટ ધરાવતી દવાનો 40 ml/પંપ સ્પ્રે કરવો આ રસાયણ ઈયળ અને શરૂઆતી સ્ટેજના તમામ રસચૂસક કિટો પર સારું નિયંત્રણ મેળવે છે. એટલે આ એક દવાથી તમને બે ફાયદા થશે થ્રિપ્સ પણ કંટ્રોલ થશે અને ઈયળ પણ કંટ્રોલ થશે.
થ્રિપ્સનો મધ્યમ એટેક હોય ત્યારે
કપાસમાં જયારે થ્રિપ્સનો મધ્યમ એટેક હોય એટલે કે એક પાન પર 10-12 ની સંખ્યામાં થ્રિપ્સ જોવા મળે ત્યારે ત્રણ દિવસના અંતરે બે સ્પ્રે કરવા.
પ્રથમ સ્પ્રે સ્પીનેટરમ 11.7% SC રસાયણ ધરાવતી દવા 8ml પ્રતિ પમ્પ સ્પ્રે કરવો. વરસાદી વાતાવરણ હોય તો સિલિકોન બેજ ચીપકો પમ્પ સંપૂર્ણ ભર્યા બાદ 5 ml નાખવું.
બીજો સ્પ્રે પ્રથમ સ્પ્રે કર્યાંના ચોથા દિવસે ફિપ્રોનીલ 4% + ઇમિડાકલોપરીડ 4% રસાયણ ધરાવતી દવા એક પમ્પમાં 20 ml નાખી સ્પ્રે કરવો.
થ્રિપ્સનો હેવી એટેક હોય ત્યારે
થ્રિપ્સનો એટેક કપાસમાં ખૂબ જ વધી ગયો હોય એટલે કે જયારે કપાસના એક પાન પર 25 કરતા વધુ થ્રિપ્સ જોવા મળે ત્યારે કપાસ લાલ દેખાવા લાગે છે. આ સમયે જો તરત જ કોઈ ઉપાય કરવામાં ન આવે તો કપાસના ઉત્પાદનમાં ખૂબ જ મોટો ઘટાડો થાય છે. કપાસમાં થ્રિપ્સનો ખૂબ જ હેવી એટેક હોય ત્યારે 4 દિવસના અંતરાલે નીચે જણાવ્યા અનુસાર બે છંટકાવ કરવા.
પ્રથમ સ્પ્રે ફિપ્રોનીલ 40% + ઇમિડાકલોપરીડ 40% રસાયણ 7 ગ્રામ અને ઈથિયોન 40% + સાયપરમેથ્રિન 5% કન્ટેન્ટ ધરાવતી દવા 25 ml એક પમ્પમાં મિક્સ કરી સ્પ્રે કરવાથી થ્રિપ્સ પર સારું નિયંત્રણ પ્રાપ્ત થાય છે.
બીજો સ્પ્રે પ્રથમ સ્પ્રેના ચોથા દિવસે કરવો. બીજા સ્પ્રે માં એબામેકટિન 1.9% EC એક પમ્પમાં 15 ml નાખી છંટકાવ કરવો.
ખેડૂતમિત્રો હાલ વાતાવરણની વાત કરીએ તો દિવસે 35 ડિગ્રી જેટલું તાપમાન અને રાત્રિ દરમિયાન 15 થી 17 ડિગ્રી જેટલું તાપમાન રહે છે. તાપમાન ના આ મોટા ફેરફારના કારણે થ્રિપ્સનો હેવી એટેક મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, માટે થ્રિપ્સના હેવી એટેકમાં ઉપર જણાવેલ છંટકાવ સમયસર કરવા.
આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળની એંટ્રી
નોંધ
ખેડૂતમિત્રો જણાવેલ જંતુનાશકોનો છંટકાવ કરો ત્યારે કપાસના બધા પાન સંપૂર્ણ ભીંજાય જાય તે રીતે સ્પ્રે કરવો. વરસાદની શક્યતા લાગે તો પ્રતિ પમ્પ સારી કંપનીનું ચીપકો પમ્પ સંપૂર્ણ ભર્યા બાદ ઉપરથી 5ml નાખો જેથી દવા છોડમાં જલ્દીથી ઉતરે છે અને વરસાદ આવે તો દવા ફેઈલ ન જાય.
શુ જાણ્યું
ખેડૂતભાઈઓ આપ અહીં જણાવેલ સ્પ્રે તમારા કપાસના પાકમાં થ્રિપ્સ નિયંત્રણ માટે કરશો, તો થ્રિપ્સ પર 90% સુધી કંટ્રોલ કરી શકશો અને કપાસના ઉત્પાદન ઘટાડાને મહદઅંશે નિવારી શકાશે. ખેડૂતમિત્રો તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વોટ્સએપમાં અન્ય ખેડૂતો સાથે શેર કરવા વિનંતી!
~ ખેડૂત હબ (kheduthub)
Pingback: વરસાદથી હાલ બેહાલ - KhedutHub