મગફળીમાં મુંડાનું નિયંત્રણ
મગફળીમાં મુંડાનું નિયંત્રણ

મગફળીમાં મુંડાનું નિયંત્રણ | Magfalima mundanu niyantran

નમસ્કાર ખેડૂતમિત્રો આપ સૌનું kheduthub પર સ્વાગત છે. આજે આ લેખમાં આપણે મગફળીમાં મુંડાનું નિયંત્રણ માટે શુ પગલાં લેવા તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ખેડૂત ભાઈઓ 2024માં ચાલુ વર્ષ દરમિયાન 23 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયેલ છે. ખેડૂતોને આશા છે કે મગફળીનું ઉત્પાદન પણ સારું આવે પરંતુ મગફળીના દુષ્મન એટલે કે સફેદ મુંડાનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. જો મુંડાનું સંકલિત નિયંત્રણ કરવામાં ન આવે તો મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય છે.

મગફળીમાં મુંડાનું નિયંત્રણ
મગફળીમાં મુંડાનું નિયંત્રણ

મગફળીમાં મુંડાની ઓળખ

મગફળીમાં આવતા સફેદ મુંડા એ જમીનમાં રહેલ કાર્બનિક પદાર્થ ખાય છે અને ત્યારબાદ મગફળીના નાજુક મૂળ ખાય ને જીવન પૂરું કરે છે. મગફળીમાં આવતા મુંડા માત્ર મગફળી જ નહીં પરંતુ ઘણા બધા પાક જેવા કે મરચી, શેરડી, કપાસ, જામફળી, નાળિયેરી, બટેટા અને અન્ય તેલબિયા પાકોના મૂળ પણ ખાય છે, તેથી તે ઢાલિયા વર્ગના કિતકમાં સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીમાં “એપોગોનીયા  રૌકા” નામની મુંડાની જાત વધુ નુકશાનકારક છે, જેને આપણે સફેદ મુંડા તરીકે ઓળખીએ છીએ.
મુંડાની ઈયળને ત્રણ જોડી પગ હોય છે તથા દેખાવમાં સફેદ કલરની અને મુખ બદામી રંગનું હોય છે. તેને અડકતા તે ગોળ ગૂંચળું વળી અને પડી રહે છે.

આ પણ વાંચો : મગફળીમાં ક્યારે ક્યુ ખાતર આપવું?

મુંડાનું જીવનચક્ર

સફેદ મુંડાનું જીવનચક્ર
સફેદ મુંડાનું જીવનચક્ર

ચોમાસામાં જયારે પહેલો સારો વરસાદ થાય ત્યારે જમીનમાં રહેલ સફેદ મુંડામાંથી વયસ્ક કીટ સાંજના સમયે જમીનમાંથી બહાર નીકળે છે. આ વયસ્ક કીટક શેઢે પાળે વૃક્ષો જેવા કે લીમડો, આંબલી, ચીકુ, સરગવો વગેરે વૃક્ષો પર રહી તેના પાન ખાય છે અને વૃક્ષ પર જ નર અને માદા કીટક મિલન કરે છે. માદા કીટક વહેલી સવારે જમીનમાં આશરે અડધા ઇંચની ઊંડાઈએ ઈંડા મૂકે છે, આ ઈંડા અવસ્થા 9 થી 11 દિવસની હોય છે. 9 થી 11 દિવસે ઈંડુ પરિપક્વ થઈ તેમાંથી ઈયળ બહાર આવે છે, ઈયળ અવસ્થા 55 થી 120 દિવસની હોય છે. ઈયળ અવસ્થા એ પાક માટે સૌથી વધુ ઘાતક છે આ અવસ્થા દરમિયાન ઈયળ પાકના મૂળ ખાય અને પાકને નુકશાન પહોંચાડે છે અને ત્યારબાદ કોશેટો બનાવે છે. કોશેટા અવસ્થા 10 દિવસથી 15 દિવસની હોય છે. જો પાક લેવાઈ ગયો હોય અને જમીન સૂકી થઈ જાય તો આ કોશેટો જમીનમાં આવતા ચોમાસા સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે.

આ પણ વાંચો : કપસમાં આવતી ગુલાબી ઈયળનું નિયંત્રણ

મુંડાથી મગફળીના પાકને થતું નુકશાન

સફેદ મુંડાની ઈયળ શરૂઆતની અવસ્થામાં જમીનમાં રહેલ કાર્બનિક પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ત્યારબાદ તે મગફળીના કૂણાં મૂળ ખાઈને ભોજન લે છે. મગફળીના મૂળ ઓછા થવાથી મગફળીમાં જમીનમાં રહેલ પોષકતત્ત્વો ગ્રહણ કરી શકવાની ક્ષમતા ઘટી જાય છે. પરિણામે છોડ નબળો થતો જાય છે અને ઉત્પાદનમાં ખૂબ જ મોટો ઘટાડો થાય છે. જો મુંડાનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય તો તે મગફળી ના તમામ મૂળ ખાય જાય છે અને મગફળી સુકાઈ જવાથી મોટા ખાલા પડે છે. મગફળીમાં મુંડાને કારણે 20% થી 80% સુધી ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે.

આ પણ વાંચો : મગફળીમાં આટલું કરશો તો વિધે 35 થી 40 મણ ઉત્પાદન મળશે.

મુંડાનું સંકલિત નિયંત્રણ

સફેદ મુંડાની નુકશાન કરવાની ખાસિયતના લીધે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્ત રાસાયણીક દવાઓથી શક્ય નથી.

મગફળી વાવતી વખતે મુંડા નિયંત્રણ ના પગલાં

  • મગફળી વાવ્યા બાદ મગફળી ફરતે 50 ફૂટના અંતરે મુંડા માટેના ફેરેમોન ટ્રેપ લગાવવા.
  • મુંડાના પુખ્ત કીટકો પીળા કલરથી આકર્ષાય છે તેથી એકરદીઠ એક સાદું પ્રકાશ પિંજર મૂકવું
  • જે વિસ્તારમાં મુંડા ખૂબ જ વધારે લાગતા હોય તે ખેડૂત ભાઈઓએ મગફળી વાવ્યા પેલા એરંડીના 100 kg ખોળમાં 5 kg બ્યુવેરિયા બેસિયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી મિક્સ કરી એક વિધામાં ચાસમાં આપવું.
  • મગફળી વવાઈ ગયા બાદ જયારે શેઢા પાળે રહેલ વૃક્ષોના પાન મુંડાના કિટકે ખાધેલ માલુમ પડે ત્યારે ઇમિડાકલોપ્રિડ 17.8% SL રસાયણ ધરાવતી દવા 15ml અને સાયપરમેથ્રિન 25% EC રસાયણ ધરાવતી દવા 20ml એક પમ્પમાં મિક્સ કરી સ્પ્રે ગનથી વૃક્ષો પર સ્પ્રે કરો. આમ કરવાથી પુખ્ત કિટકોનું થોડા ઘણાં અંશે નિયંત્રણ થશે.

આ પણ વાંચો : કપાસમાં થ્રિપ્સનું 100% નિયંત્રણ 

મગફળીના ઉભા પાકમાં મુંડા નિયંત્રણ

  • મગફળીમાં સફેદ મુંડા ના વયસ્ક કીટકો પાન ખાઈને પણ નુકશાન કરે છે. જ્યારે વયસ્ક કીટકો દ્વારા મગફળીનું નુકશાન જોવા મળે ત્યારે પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% ટેક્નિકલ ધરાવતી દવા પમ્પમાં 35ml નાખી મગફળી પર છંટકાવ કરવો.
  • મગફળીના ઊભા પાકમાં જ્યારે સફેદ મુંડાનો ઉપદ્રવ જોવા મળે તો સાયપરમેથ્રિન 25% EC રસાયન વાળી દવા પ્રતિ એકરે 1.5 લીટર પિયત સાથે આપવી. જો જમીનમાં ભેજ હોય અને પિયતની વ્યવસ્થા ન હોય તો પમ્પનો ફુવારો ખોલી નળી વડે મગફળીના મૂળિયાં ફરતે પાણી રેડવું. સારું પરિણામ પિયત સાથે દવા આપવાથી જ મળે છે. આ દવાથી મુંડા પર સારું નિયંત્રણ મળશે ઉપરાંત જમીનમા રહેલ અન્ય ઈયળોના કોશેટા પણ નાશ પામશે.
  • ખેડૂતમિત્રો એક વાત યાદ રાખો કે જરૂર જણાય ત્યારે જ આ દવા પિયત સાથે આપવી કારણ કે આ રસાયણથી જમીનમાં રહેલ અળસીયા અને અન્ય મિત્ર કીટકોને પણ નુકશાન થાય છે.

ખેડૂતમિત્રો જો સફેદ મુંડા પર સમયસર અહીં જણાવેલ ઉપાય કરી લેશો, તો મગફળીમાં મુંડાથી થતા નુકશાનથી બચી શકાય છે અને મગફળીમાં સારું ઉત્પાદન મેળવી શકાય છે.

~ખેડૂત હબ (KHEDUTHUB)

1 Comment

  1. ચીકુ

    સરસ માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *